Friday, October 12, 2012

એટનબરો અને ગાંધી






1962 ની સાલ છે, ઈંગ્લેંડ ના પોશ ગણાતા રિચમંડ માં પોતાના "ક્વિન એન હાઉસ" નામના આલીશાન ઘર માં એટનબરો પરિવાર વૈભવશાળી જીવન વીતાવે છે. ફિલ્મ નિર્માતા રિચર્ડ પાસે પોતાની પર્સનાલાઈઝ્ડ નંબર પ્લેટ ધરાવતી રોલ્સ રોય્સ અને પત્ની પાસે તેની જેગુઆર છે. અચાનક એક દિવસ રિચર્ડ ઉપર  એક ફોન કોલ આવે છે અને આખા પરિવાર નું જીવન બદલાઈ જાય છે. એ ફોન હતો મોતી કોઠારી નામ નાં અજાણ્યા ગુજરાતી નો . તેઓ રિચર્ડને મળવા માટે વોલ્ડરોફ, લંડન બોલાવે છે . લંડન માં મોતીભાઈ તેમની ભવિષ્ય ની યોજના રિચર્ડ ને સમજાવતા કહે છે, કે તેઓ  ગાંધીજી ના અનુયાયી છે અને 1948 માં ગાંધી જી ની હત્યા થઈ જતા હવે ભારત માં વધુ રહેવાનુ ન પસંદ પડતા તે ત્યાર થી  બ્રિટન માં જ રહે છે અને તેમના જીવન નું ધ્યેય છે ગાંધી વિચાર નો બને એટલા લોકો માં પ્રચાર ને પ્રસાર કરવો. તેમણે રિચર્ડ ને જણાવ્યુ કે ફિલ્મ એ પ્રચાર નું શ્રેષ્ઠ માધ્યમ હોવાથી મારી એવી ઈચ્છા છે કે તમે ગાંધીજી ના જીવન પર એક ફિલ્મ બનાવો. રિચર્ડ ને પહેલા તો આ વિચાર થોડો વિચિત્ર લાગ્યો, પરંતુ મોતીભાઈ ના આગ્રહ થી તેણે ગાંધીજી ની આત્મકથા વાંચવાનું સ્વીકાર્યુ. પછી તો કહેવાનુ જ શુ બાકી રહે? છે એવો કોઈ માણસ કે જે આ નાનકડી ચોપડી વાંચી ને આ મહાન માણસ ના જાદુ થી પોતાને બચાવી શકે? આમ પણ ગાંધીજી થી તો રિચર્ડ બચપણ થી જ પ્રભાવિત હતો, તેના પિતા (જેમને તેઓ ઘર માં ગવર્નર ના હુલામણા નામ થી બોલાવતા)  તેઓ ગાંધીજી થી ખૂબ જ પ્રભાવિત હતા. જ્યારે 1931 માં ગાંધીજી ગોળમેજી પરિષદ માં ભાગ લેવા ગયા બ્રિટન ગયા ત્યારે 8 વર્ષ નાં  રિચર્ડ પણ તેમના પિતા સાથે આ અહિંસા ના મસીહા ને જોવા- સાંભળવા માટે ગયા હતા.

ગાંધીજી ની આત્મકથા વાંચતા-વાંચતા તેઓ આ વિભૂતી થી એટલી હદે અભિભૂત થયા કે તેમણે તે વખતે લગભગ અશક્ય જણાતી આ ચેલેંજ ઉપાડી લીધી. તેની પાછ્ળ ના ઘણા બધા કારણો માં થી મુખ્ય કારણ હતુ તેમના પિતાજી. ગવર્નર રિચર્ડ ને ભણાવી ને પ્રોફેસર બનાવવા માંગતા હતા, પરંતુ જ્યારે રિચર્ડે અભિનય ને કારકિર્દી બનાવ્યો ત્યારે તેમણે રિચર્ડ ને કાંઈ કહ્યુ તો નહી પણ ઊંડે ઊંડે થોડુ દુખ જરૂર અનુભવ્યુ. હવે રિચર્ડ પોતાના કામ તથા પોતાના ક્ષેત્ર દ્વારા તેમના પિતાજી ના સમ્માનીય એવા ગાંધીજી ના જીવન પર ફિલ્મ બનાવી ને આ દુખ ની લાગણી ને  પૂરી મિટાવી ન શકે તો પણ થોડીઘણી નિવારવા માંગતા હતા.

પરંતુ કાંઈ લાગણીઓ થી તો ફિલ્મ થોડી બને ? એના માટે તો પૈસા જોઈએ. રિચર્ડે મોતીભાઈ ને ફોન લગાવ્યો  “ તમારા પ્રોજેક્ટ માટે કોઈ પૈસા ની વ્યવસ્થા છે? “ સામેથી આવેલા સીધા નકારે રિચર્ડ ને માયુસ કરી દીધો. અચાનક તેને એક રસ્તો સૂઝી આવ્યો. તેમણે એક વાર બ્રિટીશ નેવી પર એક ફિલ્મ બનાવી હતી જે ભારત નાં છેલ્લા ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટ બેટન ના નૌકાદળ માં જનરલ તરીકે ગાળેલા  જીવન અને એમણે લડેલા યુધ્ધો પર આધારિત હતી. તે ઓળખાણ ને કામે લગાડી તેમેણે તે વખતે "અર્લ માઉન્ટ બેટન ઓફ બર્મા" તરીકે ઓળખાતા લોર્ડ માઉન્ટ બેટન નો સંપર્ક કરી ને પોતાનો વિચાર સમજાવ્યો. જનરલે રિચર્ડ ને તેમના પ્રોજેક્ટ માં સહાય કરવા બાબત ની ચિઠ્ઠી પોતાના મિત્ર તેમજ ભારત નાં તત્કાલીન વડાપ્રધાન જવાહારલાલ નહેરુ પર લખી ને આપી. આ ચિઠ્ઠી, મનમાં અઢળક અરમાનો તથા આંખોમાં એક સપનુ લઈ ને રિચર્ડ દિલ્હી ના એરપોર્ટ પર ઉતર્યા. વડાપ્રધાન નહેરુ ને મળી ને તેઓ સાશ્ચર્ય આનંદ અનુભવી રહ્યા. નહેરુ એ તેમને પોતાના અંગત આલ્બમ ની ઘણી તસવીરો બતાવી જેમાં તેઓ બાપુ સાથે હતા. બાપુ (આ શબ્દ રિચર્ડે પ્રથમવાર નેહરૂજી ના મોઢે સાંભળ્યો હતો ) ની વાતો કરતાં કરતાં અતીત માં ખોવાઈ જઈને ખૂબ જ ભાવુક થયેલા વડાપ્રધાન ને જોઈ તે આશ્ચર્ય પામ્યા. નેહરૂજી  એ તેમને બીજી પણ ઘણી બધી ઉપયોગી માહીતી આપી અને ઘણા અંગત કિસ્સાઓ પણ સંભ્ળાવ્યા. નેહરૂજી એ છેલ્લે રિચર્ડ ને જે વાત કહી તેનાથી રિચર્ડ ખૂબ પ્રભાવિત થયા. તેમણે કહ્યુ કે, " તેઓ મહાત્મા હતા પરંતુ અંતે તો માનવ જ હતા, ધ્યાન રાખજો કે તમે તેમને ભગવાન ન બનાવી દો !! ".

 બીજી મુલાકાત દરમ્યાન નેહરૂજી એ તેમને ગાંધીજી ના રોલ માટે પસંદ કરેલા કલાકાર વિષે પૃચ્છા કરી. કોઈ નુ નામ નક્કી ન કરેલ હોવાથી રિચર્ડે વડાપ્રધાન ને જ કોઈ નામ સૂચવવા નું કહ્યુ. નહેરુજી ના મોઢે એલેક ગિનીસ નું નામ સાંભળી ને રિચર્ડ ને આંચકો લાગ્યો. તેને એમ હતુ કે વડાપ્રધાન કોઈ ભારતીય કલાકાર નું નામ સૂચવશે ! રિચર્ડ આ બાબત પર વિચારશે તેમ કહીને ત્યાંથી ખૂબ ખુશ થઈ ને વિદાય થયો. પણ આ ખુશી બહુ ટુંકી આવરદા ની સાબિત થઈ. ફરી થી પૈસા ની તકલીફ ના લીધે રિચર્ડ ની ગાડી ઘોંચ માં પડી. હોલીવુડ માં થી કોઈ પણ  તેના આ અતિમહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માં ‘ પૈસા નાખી દેવા ‘ તૈયાર ન થયુ. હવે તો વર્ષો વીતી ગયા પરંતુ તે આ પ્રોજેક્ટ ને ભૂલી ન શક્યો. દૂર સુદૂર ના ધૂંધળા સપના માટે પોતાનુ સર્વસ્વ લૂટાવા નો સમય હવે આવી ગયો હતો !  તેને કોઈ પણ રીતે આ ફિલ્મ બનાવવી જ હતી.

તેના આ સપના ને ફરીથી પાંખો મળી કે જ્યારે નેહરૂજી ની દીકરી શ્રીમતિ ઈંદિરા ગાંધી વડાપ્રધાન પદે ફરીથી ચૂંટાયા. તેમણે રિચર્ડ ને એ મતલબ નો લેખિત પરવાનો આપી દીધો કે તેની ફિલ્મ માં જ્યારે પણ જરૂર પડે ત્યારે તેને પોલીસ, લશ્કર ની ત્રણે પાંખો અને ભારતીય રેલ્વે ની મફત માં મદદ મળી શકશે ! ઉપરાંત તેમણે ભારત સરકાર તરફથી આ ફિલ્મ નાં નિર્માણ માં  ત્રીજા ભાગ નું ફંડ પણ રિચર્ડ ને આપવાનું વચન આપ્યુ. રિચર્ડ માટે આ બધુ ખૂબ જ આવકાર્ય હતુ કારણ કે તેણે નેહરુજી ના રાજ માં સરકારી અફ્સરો ને મળવા માટે કલાકો બહાર બાંકડા પર બેસવાનો અનુભવ લઈ લીધો હતો ! (પણ બોલી પણ શું શકે કારણ કે એ અમલદારશાહી પણ આપણ ને બ્રિટિશ વારસા તરીકે જ મળેલી છે ને!)  હવે રિચર્ડ ને તેનું સપનુ હાથવેંત માં લાગ્યુ. જો કે હ્જી ઘણુ બધુ ખૂટતુ હતુ છતા તેણે તૈયારીઓ શરૂ કરી દીધી. તેણે બધા સેટસ, લોકેશન નક્કી કરી દીધા પરંતુ હવે મુખ્ય મુદ્દો બાકી હતો ગાંધી કયાંથી લાવવા?

એલેક ગિનીસ તો ક્યારનાય ના પાડી ચૂક્યા હતા, એક અમેરિકન સ્ટુડિઓએ ફિલ્મ નિર્માણ માં સહાય કરવાની ઓફર રિચાર્ડ બર્ટન ને જ ગાંધી તરીકે લેવાની શરતે આપી કારણ કે તે આ રોલ માં સેક્સી લાગશે!! રિચર્ડ ની પોતાની પસંદ એંથોની હોપકીન્સ( ધ સાઈલેંસ ઓફ ધ લેંબ અને હેનિબાલ ફેમ)   હતો, પણ શારિરિક દ્ર્ષ્ટિએ તે આ રોલ માટે થોડો વધુ જાડો હોવાથી શારીરીક રીતે ફીટ નથી એમ લાગતા તે પોતે જ હટી ગયો. આવા જ કારણોસર બીજા અનેક અદાકારો જેમ કે ડેર્ક બોગાર્ડે, પીટર ફીંચ, આલ્બર્ટ ફીની અને ટોમ કર્ટની એ પણ આ ઓફર ને નકારી કાઢી. અંતે ગાંધી બનવા માટે રિચર્ડે જહોન હર્ટ નામના અદાકાર નો સંપર્ક કરાયો, જેણે રિચર્ડ ને તેમને ગાંધી ના પુરા ગેટ અપ સાથે એક શોટ લઈ ને જોઈ જોવા કહ્યુ. દરમ્યાન રિચર્ડ ના થિએટર દિગ્દર્શક એવા પુત્ર માઈકે તેમને  નાટકો ના એક ઉત્તમ અદાકાર બૅન કિંગ્સલે વિષે વાત કરી. તેમનુ એક નાટક જોવા માટે રિચર્ડ ગયા, તેમના અભિનય થી પ્રભાવિત થઈ ને તેઓ બૅન ને મળવા બેકસ્ટેજ ગયા. તેમેણે બૅન ને ગાંધી ફિલ્મ વિષે ના પોતાના પ્રોજેક્ટ ની વાત કરી તો બૅન તો આશ્ચર્ય માં પડી ગયા. બેન ને આની પાછ્ળ કોઈ દૈવી શક્તિ નો જ હસ્તક્ષેપ લાગ્યો, કારણ કે હજી થોડા દિવસ પહેલા તો બૅન ને તેની પત્ની એ ગાંધીજી ની આત્મકથા ભેટ માં આપી હતી અને બૅન હજી તો તેને વાંચી જ રહ્યા હતા !! આ મુલાકાત પછી જ રિચર્ડ ને ખબર પડી કે બૅન નું મૂળ નામ તો કૃષ્ણા પંડિત ભાણજી હતુ. તેઓ અંગ્રેજ માતા અને ગુજરાતી  પિતા નું ફરજંદ હતા !! (એટલે રીલ અને રિયલ બન્ને ગાંધી ગુજરાતી હતા!!) તો આ મુલાકાત નું પરિણામ એ આવ્યુ કે જહોન હર્ટ અને બૅન બન્ને નો સ્ક્રિન ટેસ્ટ એક જ દિવસે રાખવામાં આવ્યો. પહેલા જહોન અને પછી બૅન નો ટેસ્ટ લેવામાં આવ્યો. પણ જ્યારે બૅન પોતળી ને ગોળ ચશ્મા ધારણ કરી ગાંધી બની ને આવ્યો ત્યારે રિચર્ડ પહેલા તો જહોન બોલી ઉઠ્યો “ યુ ગોટ યોર મહાત્મા રિચર્ડ!! “




હવે ગાંધી મળી ગયા, સરકારી પરવાનો હતો તેથી સરકારી બિલ્ડીંગ્સ, કે સ્મારકો માં પણ શુટિંગ કરવામાં  તકલીફ પડી નહી. શુટિંગ શરૂ તો થઈ ગયુ પરંતુ એને ચાલતુ રાખવુ પણ જરૂરી હતુ ને? આ માટે તેમણે પોતાનુ સર્વસ્વ દાવ પર લગાડી દીધુ. રિચર્ડ ના એવા કપરા દિવસો આવી ગયા હતા કે એક વખત રોલ્સરોય્સ વાપરનાર આ નિર્માતા સમયસર પોતાના બિલ્સ પણ ચૂકવી શકતા નહી ! તેમના સપના ની તેમની પત્ની ને બાળકો પર અસર થશે તે નહોતુ વિચાર્યુ પરંતુ હવે તો પાછા વળવાનો કોઈ હેતુ નહતો. ઉપરાંત આ કપરા કાળ માં તેમેની પત્ની શેલા તેમની પાછળ ખડક ની દ્ર્ઢતા થી ઉભી હતી. જ્યારે સૌ આ પ્રોજેક્ટ ને રિચર્ડ નું ગાંડપણ સમજતા હતા ત્યારે પણ શેલા એ તેને રિચર્ડ નું સપનુ ગણી ને તેને આ માટે બધી રીતે સહાયરૂપ થવાની સાંત્વના આપી હતી.  શુટિંગ શરૂ કરતા પહેલા રિચર્ડ તેમને આ દુષ્કર કાર્ય કરવાનું સૌ પ્રથમ ઈજન આપનાર મોતીભાઈ કોઠારી ને ભૂલ્યા ન હતા, તે સમયે તેમનું પાર્થિવ શરીર તો હયાત ન હતુ પરંતુ તેમની યાદ માં રિચર્ડે તેની ફિલ્મ નું શુટિંગ એક હિંદુ પંડિત ના હાથે પૂજા કરાવી ને શરૂ કર્યુ હતુ. આમ શુટિંગ તો ચાલતુ રહ્યુ, પરંતુ એક સૌથી મોટી ચેલેંજ દિગ્દર્શક રિચર્ડ ની વાટ જોઈ રહી હતી. બીજુ બધુ તો શાંતિ થી પાર પડી ગયુ પણ મહાત્મા ની અંતિમયાત્રા પરદા પર શી રીતે બતાવવી? એ માટે ખૂબ જ ચીવટપૂર્વક નુ અને ઝીણવટ ભર્યુ કામકાજ યુધ્ધ નાં ધોરણે હાથ માં લેવામાં આવ્યુ. એ હદ સુધી કે રિચર્ડ ને તે અંતિમયાત્રા માં કેટલા ગણવેશધારી સૈનિકો આખા રાજપથ પર હારબંધ ઉભા રખાયા હતા તે સંખ્યા શુધ્ધા યાદ હતી! પરંતુ મુખ્ય તકલીફ હતી કે એટલા બધા લોકો ને ક્યાંથી ભેગા કરવા? બધા જ પેઈડ કલાકારો ભેગા કરે તો પણ એ શક્ય ન જણાયુ. તો રિચર્ડે એક રસ્તો કાઢ્યો કે ગાંધીજી ની 33 મી પુણ્યતીથી એ (30 જાન્યુઆરી, 1981) આ દ્રશ્ય ફિલ્માવવુ જેથી બને તેટલા વધુ લોકો ને ભેગા કરી શકાય.



આ શુટિંગ દિલ્હી માં એક વપરાશ વગર નાં એક એરફિલ્ડ પર  કરવાની યોજના હતી. આ માટે રિચર્ડે 25000 એક્સ્ટ્રા કલાકારો રોકડા આપી ને રાખેલા હતા. પરંતુ મોટી ચિંતા તો પેલા ટોળા પર હતી જે ‘પેઈડ‘ ન હતુ ! રિચર્ડે આગલી રાત્રે પોતાના 11 કેમેરા ની આખી ટીમ ની મિટિંગ બોલાવી ને બીજા દિવસ ની સૌની પોઝિશન્સ વિશે સમજાવ્યુ. વહેલી સવાર ના 3 વાગ્યાથી બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ, સૂર્યોદય થતા થતા તો ગણવેશ ધારી સૈનિકો તૈયાર થઈ ને મેદાન માં આવી ગયા. રિચર્ડ ને હાશ તો ત્યારે થઈ કે જ્યારે સામાન્ય લોકો પણ ત્યાં શુટિંગ જોવા ભેગા થવા લાગ્યા. રિચર્ડે એવી વ્યવસ્થા કરાવી હતી કે દરેક પ્રવેશદ્વારે પોલીસ ની એક એક ટુકળી તે સમય ને અનુરૂપ કપડા આપી ને ખડી કરવામાં આવી હતી, જેથી કરીને કોઈ આધુનિક પહેરવેશ પહેરી ને આવી ન જાય! આ શોટ માં રિટેક નો તો કોઈ સવાલ જ નહોતો, એક માઈલ જેટલા અંતર માં આ ટોળુ જેવી એક્ટિંગ કરે તે ખરુ ! રિચર્ડે પોતાના મેગાફોન માં “ એક્શન ...” કહેતા જ આખુ ટોળુ કૂચ કરવા લાગ્યુ. આ બધા દરમ્યાન રિચર્ડ ને લાગ્યુ કે આ અતિ મહત્વ ના શોટ દરમ્યાન પોતે કેમેરા પાછળ કે ક્રેન પર ન બેસતા આ ટોળા માં જ ક્યાંક હોવુ જોઈએ. પરિણામે આપણે  રિચર્ડ એટનબરો ને આ સીન માં કાળા કોટ, કાળા ચશ્મા ધારી બ્રિટિશ જનરલ સ્વરૂપે બાપુ ના શબ પાછળ ચાલતા જોઈ શકીએ છીએ ! આ દ્રશ્ય ગાંધીજી નું ડમી શબ બનાવી ને લેવાનું હોવાથી આજે બેન ને રજા હતી.બધુ જ બરાબર ચાલતુ હતુ અને ચિરનિંદ્રા માં પોઢેલા ગાંધી નો ક્લોઝ અપ લેવાનો થયો ત્યા જ અચાનક રિચર્ડ ને લાગ્યુ કે આ ડમી (પૂતળુ) ક્લોઝ અપ માં બરાબર નથી લાગતુ (મતલબ કે પકડાઈ જાય છે)! અચાનક રજા માણતા ‘ ગાંધી’ ની રજા ને લશકરી ધોરણે બરખાસ્ત કરી ને બોલાવવામાં આવ્યા અને પૂતળા ના બદલે બૅન ને સુવાડી ને ક્લોઝ અપ લેવામાં આવ્યો. અંતે આ અતિ મહત્વનો અને ઐતહાસિક શોટ પૂરો થયો, ગેટ પર ઉભેલા પોલીસો ના કહેવા પ્રમાણે તેમણે 400,000 લોકો ને અંદર આવવા દીધા હતા તથા યોગ્ય કપડાં આપ્યા હતા. તો આમ આ શોટ ફિલ્મ ઈતિહાસ માં સૌથી વધુ એક્સ્ટ્રા કલાકારો(25,000) તથા સૌથી વધુ લોકો ને ફિલ્માવતો સીન હતો ( જે કદાચ વિશ્વ વિક્રમ છે )  !





 અંતે પેશન ની, એક નિર્ધાર ની અને પોતે કરેલા દ્ર્ઢ સંકલ્પ ખાતર સર્વસ્વ ન્યોછાવર કરી દેવાની ભાવના ની જીત થઈ અને આટલા બધા ચઢાવ ઉતાર પછી અંતે આ ઐતિહાસિક ફિલ્મ  1982 માં રજૂ કરવામાં આવી. પછી તો તેણે ફિલ્મ જગત માં એક ઈતિહાસ કાયમ કર્યો. આ ફિલ્મ ને 8 ઓસ્કાર ઍવોર્ડસ થી નવાજવા માં આવી જેમાં રિચર્ડ એટનબરો ને બે ( શ્રેષ્ઠ દિગ્દર્શન અને શ્રેષ્ઠ પિક્ચર માટે) , બૅન કિંગ્સલે ને એક મુખ્ય રોલ માં શ્રેષ્ઠ અભિનય માટે આપવામાં આવ્યો . ઉપરાંત બીજા 26 ઍવોર્ડ્સ અને 16 નોમીનેશન્સ ઍનાયત કરવામાં આવ્યા હતા. આમ પોતાના કાર્ય પ્રત્યે સમર્પિત એવા એક પ્રોફેશનલ નું સપનુ 20 વર્ષે સાકાર થયુ. “ગાંધી” ની પટકથા ની જેમ જ તેની અંતરકથા પણ એટલી જ રોચક અને સંઘર્ષપૂર્ણ રહી.

[   રીડગુજરાતી માં છ્પાયેલો આ જ લેખ વાંચવા માટે અહીં ક્લીક કરો] 

No comments:

Post a Comment