Thursday, October 11, 2012

જીવન એક મહાનદ

જીવન એક મહાનદ



જીવન એ એક મહાનદ છે. જેમાં એક વખત તેના ઉદગમ થી નીકળ્યા પછી એમાં કાંઈ જ પાછીપાની થઈ શકતી નથી. સતત વહેતા રહેવાની ક્રિયા, સતત સરતા રહેવાનો આનંદ જ જીવન છે. કશુ જ પકડી રાખવાની ઈચ્છા, લાલસા વગર માત્ર બે કાંઠે આવતા આવતા દરેકે દરેક ને કાંઈ ને કાંઈ આપી જવુ એ જીવન નો ખરો ઉપયોગ હોવો જોઈએ. બસ, વહ્યા કરવુ અને જે કોઈ સંપર્ક માં આવે તેનો યથાયોગ્ય સંસર્ગ રાખી ને આગળ વધી જવુ. કાંઠે આવનારા પછે એમાં ફૂલ પધરાવે કે ગંદકી નાખે તો તે લઈ ને પણ બસ વહ્યા કરવુ. કદી પણ કાંઈ પણ ગમે તેટલુ સુંદર હોય, ગમતુ હોય છતા તેની માટે અટકી ન પડવુ નહીતર ખાબોચિયુ બનીને ગંધાઈ ઉઠવાની ભીતિ રહેલી છે. 

સફર શરુ થયા પછી પણ નદી ને ખબર જ હોય છે કે આ બધુ મીઠુ પાણી અંતે તો ખારા દવ જેવા મહાસાગર માં જ નાખી દેવાનું છે. ગમે તેટલી વિશાળ નદી હોય છતા તેનુ ભાવિ મહાસાગર માં લીન થઈને સાગરમય થવામાં જ સમાયેલુ છે. પરંતુ વિલીન થઈ જવાની બીકે નદી નથી વહેવાનું છોડતી કે પછી પોતાનુ પાણી ખારુ થઈ જવાની બીકે નથી થોડુ પાણી બચાવી ને ચાલતી. બસ, તે તો ચાલ્યા જ કરે છે અને પોતાના અસ્તિત્વ નો ઉજાસ ચોતરફ પાથરીને ખળખળ હાસ્ય કરતી વહ્યા રાખે છે અને એવા જ હાસ્ય સાથ પાછી સાગરમાં મળી જાય છે. 

મારા મતે તો આ જીવન જ આદર્શ જીવન છે. ના કાંઈ ગુમાવી દેવાની ફિકર, ના કાંઈ મેળવી લેવાની તલપ, ના કોઈ સ્વાર્થ કે ન વિલીન થઈ જવાની બીક. બસ, અસ્તિત્વ ને સાર્થક કરવું ને આજીવન વહ્યા કરવું......વહ્યા કરવુ !!

No comments:

Post a Comment